વડોદરાની એથ્લીટ ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન માટે સન્માનિત

વડોદરાની એથ્લીટ ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન માટે સન્માનિત
*************************
વડોદરાની યુવા એથ્લીટ માનસી શેલારને ગાંધીનગર ખાતે એથ્લેટિક્સમાં ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર’ માટે સરદાર પટેલ જુનિયર એવોર્ડ મેળવ્યો
(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) વડોદરાની યુવા એથ્લેટિક્સ પ્રતિભા માનસી શ્રીકાંત શેલારને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ એથ્લેટિક્સ (૨૦૧૮-૧૯) માં ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ માટે પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે શક્તિદૂત ૨.૦ યોજનાના શુભારંભ પ્રસંગે માનસીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ૭૯૯ રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. માનસીને છેલ્લા એક દાયકામાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે આ પુરસ્કાર મળ્યો છે. તે એક ટૂંકા અંતરની સ્પ્રિન્ટર (દોડવીર) છે અને ૧૦૦ તથા ૨૦૦ મીટરમાં સ્પર્ધા કરે છે.
માનસી શેલારએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘આ મારા માટે ગૌરવની ક્ષણ હતી અને તેણે મને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના મારા સપનાને પૂરું કરવાની પ્રેરણા આપી છે. આ પુરસ્કાર ઉભરતી પ્રતિભાઓને પણ રમતોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. વધુમાં, શક્તિદૂત ૨.૦ યોજનાથી રમતવીરોને ફાયદો થશે, તેઓ પ્રેરિત થશે અને તેમને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.’
માનસીએ નેશનલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પર્ધાઓમાં ૫૩ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં ખેલો ઈન્ડિયા, યુનિવર્સિટી નેશનલ્સ અને ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં સહભાગિતા શામેલ છે. તેના મેડલની સંખ્યામાં ૪ નેશનલ, ૨૫ સ્ટેટ અને ૨૪ ડિસ્ટ્રિક્ટ લેવલના મેડલ શામેલ છે. ઉપરાંત તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને ‘બેસ્ટ એથ્લેટિક્સ ટ્રોફી’ પણ મળી છે.
તેઓએ આંતરરાષ્ટ્રીય ખેલાડી ડી.કે. માલવિયા હેઠળ તાલીમ લીધી, જેને એમને આ સફર દરમિયાન ટેકો આપ્યો અને સાથે સાથે પ્રખ્યાત રમત પ્રશાસક લક્ષ્મણ કરંજગાંવકરનો પણ સરકાર મળ્યો.
હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કરતી માનસી એથ્લેટિક્સ પ્રત્યેના તેના ઝૂનૂન સાથે અભ્યાસનું સંતુલન જાળવી રહી છે. તેના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શને તેને ગુજરાતના આશાસ્પદ યુવા રમતવીરોમાં સ્થાન અપાવ્યું છે અને વડોદરાનું નામ વધુ રોશન કર્યું છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ