સાવલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

સાવલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
(વડોદરા, તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર) સાવલી: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાવલી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર સાવલી શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
તિરંગા સાથે યોજાયેલી યાત્રાનો પ્રારંભ સાવલી કુમાર શાળા ખાતેથી જમનોત્રી હોસ્પિટલ, સાવલી પોલીસ સ્ટેશન નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણ થઇ હતી. યાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસર્યો હતો.અને મહાનુભાવોના રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને સ્મરણ કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી શ્રી આર.જે શાહ , મામલતદારશ્રી પ્રણવ પરમાર, અને અધિકારી-કર્મચારીઓ, એનસીસીના કેડેટ્સ, વિદ્યાર્થીઓ તેમજ સાવલી શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના, રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની લાગણીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ