ભરૂચ | દયાદરા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભરૂચ | દયાદરા
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
મળતી માહિતી મુજબ સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં મુશ્કેલીઓ વધી છે, તેમજ કેટલાક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે.
આ જ પ્રકારની સ્થિતિ આજે ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં પણ જોવા મળી હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે ગામના અનેક વિસ્તારો અને ફળિયાઓમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીમાં નાના બાળકો રમતા જોવા મળ્યા હતા.
ગામમાં પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશુઓને પણ સલામત અને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. ગામના સરપંચ જાવેદભાઈ રૂડી (રાજુભાઈ)એ જણાવ્યું કે જો પાણીનું સ્તર વધુ વધશે તો સ્થાનિકોને ગામની ગુજરાતી શાળામાં સ્થળાંતર કરવામાં આવશે.
સતત વરસાદના કારણે ગામનું તળાવ અને નાળા પણ છલકાઈ રહ્યા છે. બીજી તરફ, અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના તાજેતરમાં વાવેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.