Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું: જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ

 

પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું: જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ

 

***************************

 

જમીનના પુનર્જીવન તરફનું વૈજ્ઞાનિક પગલું

 

**************************

 

ઓછા ખર્ચે વધુ સક્ષમ: ખેડૂતો માટે સરળ અને અસરકારક પદ્ધતિ

 

*****************************

 

PSDS: નીંદણ નિયંત્રણથી લઈને જમીનના આરોગ્ય સુધીનો સર્વગ્રાહી અભિગમ

 

આલેખન-રવિના બોરાધરા

 

(વડોદરા, તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર) પ્રાકૃતિક ખેતીનો આધાર માત્ર રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત ખેતી સુધી મર્યાદિત નથી, પરંતુ જમીનને જીવંત, સક્રિય અને જૈવિક રીતે સમૃદ્ધ બનાવવામાં રહેલો છે. સ્વસ્થ જમીન જ સારા પાકનો પાયો છે. તેથી પ્રાકૃતિક ખેતીમાં જમીનની જૈવિક પ્રક્રિયાઓને સક્રિય કરવાની શરૂઆત મુખ્ય પાકની વાવણી કે રોપણી પહેલાંથી જ કરવામાં આવે છે. આ દિશામાં પ્રી-સીઝન ડ્રાય સોઇંગ પદ્ધતિ એક અસરકારક અને વૈજ્ઞાનિક અભિગમ તરીકે ઉભરી આવી છે.

 

પરંપરાગત રીતે ખેડૂતો શણ અથવા ઢેંચા જેવા એક જ લીલા પડવાશ પાકનું વાવેતર કરીને તેને જમીનમાં ભેળવી દેતા હોય છે. આ પદ્ધતિ જમીનમાં સજીવ દ્રવ્ય અને નાઈટ્રોજન ઉમેરવામાં ઉપયોગી છે. જોકે, પ્રાકૃતિક ખેતીમાં જમીનની જૈવિક વિવિધતા વધારવા, સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિને વેગ આપવા અને જમીનને વધુ સક્રિય બનાવવા માટે માત્ર એક જ પાક પૂરતો નથી. આ વિચારને ધ્યાનમાં રાખીને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા ડાંગરની નર્સરી તથા મુખ્ય ખેતરમાં વૈવિધ્યસભર PSDS પદ્ધતિ અંગે સંશોધન અને નિદર્શન હાથ ધરવામાં આવ્યા છે.

 

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે કાર્યરત કૃષિ વૈજ્ઞાનિક યશ ચૌધરી જણાવે છે કે, PSDS પદ્ધતિ હેઠળ મુખ્ય પાકની રોપણી પહેલાં ખેતરમાં વિવિધ પાકોના મિશ્ર બીજનું બ્રોડકાસ્ટિંગ કરવામાં આવે છે. આ પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે ખેડૂતોને બહારથી ખાસ બીજ ખરીદવાની જરૂર પડતી નથી. પોતાના ખેતર કે ઘરમાં ઉપલબ્ધ ધાન્ય, કઠોળ, તેલીબિયાં તેમજ અન્ય સ્થાનિક પાકોના બીજનું મિશ્રણ તૈયાર કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આથી ખેતીનો ખર્ચ ઘટે છે અને સ્થાનિક પાકોની વિવિધતાને પણ પ્રોત્સાહન મળે છે.

 

આ મિશ્રણમાં આશરે ૩૦ ટકા મિલેટ્સ અને ધાન્ય વર્ગના પાકો, ૩૦ ટકા કઠોળ પાકો, ૧૦ ટકા તેલીબિયાં પાકો, ૨૦ ટકા લીલા પડવાશના પાકો તથા ૧૦ ટકા આવરણ (Cover) પાકોનો સમાવેશ કરવામાં આવે છે. એક હેક્ટર વિસ્તારમાં અંદાજે ૩૫ થી ૪૦ કિલોગ્રામ જેટલા મિશ્ર બીજનું વાવેતર કરવામાં આવે છે. આ માટે બાજરી, જુવાર, મકાઈ, હલકા ધાન્ય, મગ, અડદ, ગુવાર, ચોળી, તલ, શણ, ઢેંચા તેમજ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ઉપલબ્ધ અન્ય પાકોના બીજનો ઉપયોગ કરી શકાય છે.

 

બીજનું બ્રોડકાસ્ટિંગ કર્યા બાદ હળવું પિયત આપવામાં આવે છે. ભેજ મળતાં જ વિવિધ પાકોના બીજની સાથે જમીનમાં રહેલા નીંદણના બીજ પણ અંકુરિત થાય છે. આ પ્રક્રિયાથી જમીનમાં રહેલા વિવિધ લાભદાયક સૂક્ષ્મજીવો પણ સક્રિય બનવા લાગે છે. આશરે ૧૮ થી ૨૧ દિવસમાં ખેતરમાં નોંધપાત્ર લીલો જૈવિક જથ્થો તૈયાર થઈ જાય છે. આ દરમિયાન વિવિધ પાકોના મૂળ જમીનના અલગ અલગ સ્તરોમાં વિકાસ પામી જમીનની રચનામાં સુધારો કરે છે, હવાના અવરજવરને સરળ બનાવે છે અને સૂક્ષ્મજીવો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે.

 

ત્યારબાદ સમગ્ર લીલા જૈવિક જથ્થાને જમીનમાં ભેળવી દેવામાં આવે છે. પરિણામે જમીનમાં સજીવ દ્રવ્ય, સજીવ કાર્બન અને વિવિધ પોષક તત્ત્વોનો વધારો થાય છે. સાથે જ અંકુરિત થયેલા નીંદણ જમીનમાં દબાઈ જતાં તેનું કુદરતી રીતે નિયંત્રણ થાય છે અને સમય જતાં નીંદણના બીજનો ભંડાર પણ ધીમે ધીમે ઘટે છે. આ પ્રક્રિયા જમીનને વધુ ફળદ્રુપ અને જૈવિક રીતે સક્રિય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

 

સંશોધનો દર્શાવે છે કે PSDS દરમિયાન વિવિધ પાકોના અંકુરણ અને મૂળના પ્રારંભિક વિકાસથી રાઇઝોસ્ફિયર વિસ્તારમાં જૈવ-રાસાયણિક સંકેતો અને મૂળસ્રાવ ઉત્પન્ન થાય છે. આ સંકેતો જમીનમાં રહેલા વિવિધ લાભદાયક સૂક્ષ્મજીવોને વધુ સક્રિય બનાવે છે. બીજી તરફ સુષુપ્ત અવસ્થામાં રહેલા નીંદણના બીજ, કેટલાક રોગકારક ફૂગના બીજાણુઓ તેમજ જીવાતોની નિષ્ક્રિય અવસ્થાઓ પણ અનુકૂળ પરિસ્થિતિ મળતાં સક્રિય થવા લાગે છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!