વડોદરામાં આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે સાત અધિક કલેક્ટરોને તાલુકાઓની જવાબદારી સોંપાઇ

વડોદરામાં આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે
સાત અધિક કલેક્ટરોને તાલુકાઓની જવાબદારી સોંપાઇ
***********************
વહીવટી તંત્રના તમામ અધિકારીઓને મુખ્ય મથક ઉપર હાજર કરાયા, બચાવના સાધનો સજ્જ કરાયા
(વડોદરા, તા.૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર) વડોદરા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા પૂરતી સજ્જતા દર્શાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમીત અરોરાના અધ્યક્ષસ્થાને ગતરોજ મોડી રાત્રે ૯.૩૦ વાગ્યે એક અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા સહિત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં સંભવિત અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવેલી આગોતરી તૈયારીઓ અને રાહત-બચાવ કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શ્રી અમીત અરોરાએ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરી થઈ શકે તે માટે સંસાધનોને તૈનાત રાખવા જણાવ્યું હતું. આ સાથે તેમણે ટ્રી કટર, રેસ્ક્યુ બોટ, જેસીબી, બંપર અને બોચા જેવા તમામ જરૂરી સાધનો અને ઈમરજન્સી ઉપકરણોને સંપૂર્ણ રીતે તૈયાર રાખવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, નદીઓના જળસ્તરમાં થતા વધારા અને વરસાદના આંકડાઓ પર સતત તથા ચાંપતી નજર રાખવા તેમજ કંટ્રોલરૂમ મારફતે મળતી માહિતી પર ત્વરિત અને સક્રિયપણે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
વરસાદી માહોલ અને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને પોતપોતાના તાલુકા અને જિલ્લા હેડક્વાર્ટર ખાતે ખડેપગે રહીને એલર્ટ મોડમાં કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે સમગ્ર જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ