પ્રકૃતિપ્રેમ અને સ્નેહની દોરીનો સંગમ: નિઝામપુરાના રાખી મેળામાં ઈકો-ફ્રેન્ડલી અને હેન્ડમેડ રાખડીઓનું આકર્ષણ

પ્રકૃતિપ્રેમ અને સ્નેહની દોરીનો સંગમ: નિઝામપુરાના રાખી મેળામાં ઈકો-ફ્રેન્ડલી અને હેન્ડમેડ રાખડીઓનું આકર્ષણ
********************
કોટનના દોરાથી તૈયાર થતી ક્રોશે રાખડીઓ બની રહી છે નાગરિકોની પસંદગી
*************************
માલતી દેસાઈ અને મિતાંગ દેસાઈ, પતિ-પત્નીની જોડીએ ૨૦૧૬માં શોખથી શરૂ કરેલી ક્રોશે રાખડીની સફર આજે નાના વ્યવસાયમાંભારત ઉપરાંત અમેરિકા અને યુકે સુધી પહોંચે છે હાથથી તૈયાર કરાયેલી રાખડીઓ, અન્ય મહિલાઓને પણ તાલીમ આપી આત્મનિર્ભરતા તરફ પ્રેરણા
આલેખન – રવિના બોરાધરા
(વડોદરા, તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર) રક્ષાબંધનના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરાના બજારોમાં રાખડીઓની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનું પ્રતીક એવી રાખડી હવે પરંપરાગત શણગાર પૂરતી સીમિત ન રહેતા તેમાં સર્જનાત્મકતા, હસ્તકલા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો પણ સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે.વડોદરાના નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત ‘રાખી મેળા’માં આ વર્ષે હેન્ડમેડ અને ક્રોશે રાખડીઓ વિશેષ આકર્ષણ જમાવી રહી છે. વિવિધ રંગો અને ડિઝાઇનમાં હાથથી તૈયાર થતી આ રાખડીઓ પરંપરાગત રાખડીને એક આગવો અને સર્જનાત્મક સ્પર્શ આપી રહી છે.
આ મેળામાં માલતી દેસાઈ અને મિતાંગ દેસાઈ, પતિ-પત્નીની જોડીએ તૈયાર કરેલી ક્રોશે રાખડીઓ ખાસ ધ્યાન ખેંચી રહી છે. વર્ષ ૨૦૧૬માં માત્ર શોખ તરીકે શરૂ થયેલી ક્રોશે રાખડી બનાવવાની તેમની સફર આજે સફળતાપૂર્વક નાના વ્યવસાયમાં પરિવર્તિત થઈ છે.માલતી દેસાઈએ ક્રોશે વર્કને શોખ તરીકે અપનાવ્યું હતું. સમય જતાં તેમની સર્જનાત્મકતાને પરિવાર અને આસપાસના લોકો તરફથી પ્રોત્સાહન મળ્યું અને રાખડીઓ બનાવવાનું કામ ધીમે ધીમે વ્યવસાયનું સ્વરૂપ પામ્યું. આજે તેઓ અને તેમના પતિ મિતાંગ દેસાઈ સાથે મળીને વિવિધ ડિઝાઇનની ક્રોશે રાખડીઓ તૈયાર કરે છે.તેમની બનાવેલી રાખડીઓની માંગ માત્ર વડોદરા કે ગુજરાત પૂરતી સીમિત રહી નથી. અમેરિકા અને યુકેમાંથી પણ તેમની ક્રોશે રાખડીઓના ઓર્ડર મળ્યા છે, જે સ્થાનિક હસ્તકલા અને ઘરઆધારિત વ્યવસાયને વૈશ્વિક બજાર સુધી પહોંચવાની નવી તક દર્શાવે છે.
માલતી દેસાઈ અને મિતાંગ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવતી ક્રોશે રાખડીઓમાં મુખ્યત્વે કોટનદોરાનો ઉપયોગ કરવામાં આવે છે. હાથથી તૈયાર થતી હોવાથી દરેક રાખડીમાં તેમની મહેનત અને સર્જનાત્મકતાની આગવી છાપ જોવા મળે છે.આ રાખડીઓની વિશેષતા એ છે કે રક્ષાબંધન બાદ પણ તેને અન્ય રીતે ફરી ઉપયોગમાં લઈ શકાય છે અથવા વિવિધ હસ્તકલા અને સજાવટના ઉપયોગમાં લઈ શકાય છે, જેથી રાખડીને માત્ર એક વખત ઉપયોગમાં લઈને ફેંકી દેવાની પરંપરાને બદલે પુનઃઉપયોગનો વિચાર પ્રોત્સાહિત થાય છે.
માલતી દેસાઈ જણાવે છે કે, ક્રોશેનું કામ શરૂઆતમાં મારા માટે માત્ર શોખ હતું. ધીમે ધીમે તેમાં રસ વધ્યો અને આજે આ કામ અમારા નાના વ્યવસાયનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. રાખડી બનાવવામાં સમય અને મહેનત લાગે છે, પરંતુ જ્યારે લોકો તેને પસંદ કરે છે અને દૂરના દેશોમાંથી પણ ઓર્ડર મળે છે ત્યારે ખૂબ આનંદ થાય છે.હાથથી ક્રોશેનું કામ કરવાથી મળતી સર્જનાત્મક વ્યસ્તતાએ તેમને પોતાની કળાને વધુ વિકસાવવાની તક આપી છે. આ સાથે તેમણે પોતાની કળા પોતાની પૂરતી સીમિત ન રાખતા અન્ય મહિલાઓને પણ ક્રોશે અને રાખડી બનાવવાની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. તેમના દ્વારા મહિલાઓને આ કળા શીખવવાનો પ્રયાસ તેમને ઘરેથી પોતાની આવડત વિકસાવવા, આવકનું સાધન ઊભું કરવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપે છે. આ રીતે એક વ્યક્તિના શોખથી શરૂ થયેલી સફર હવે મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબન સાથે પણ જોડાઈ રહી છે.માલતી અને મિતાંગ દેસાઈની ૨૦૧૬થી ચાલી આવતી ક્રોશેની સફર દર્શાવે છે કે એક નાનકડો શોખ પણ સતત મહેનત, સર્જનાત્મકતા અને યોગ્ય તક સાથે સ્વાવલંબનનું માધ્યમ બની શકે છે. સ્નેહની દોરી સાથે પર્યાવરણપ્રેમ, હસ્તકલા અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપતી આ રાખડીઓ આ વર્ષની રક્ષાબંધનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવી રહી છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ