ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી: જંક ફૂડ છોડી પૌષ્ટિક આહાર અપનાવવા નગરપાલિકા પ્રમુખનું આહવાન

ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી: જંક ફૂડ છોડી પૌષ્ટિક આહાર અપનાવવા નગરપાલિકા પ્રમુખનું આહવાન
***
પોષણ કાર્યક્રમમાં મિલેટ્સ અને ટીએચઆરની વાનગીઓનું પ્રદર્શન યોજાયું, પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતાઓનું કરાયું સન્માન
***
આણંદ, બુધવાર:::: આણંદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. આણંદ-૪ ઘટક દ્વારા ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન ઓડ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના પ્રમુખશ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં વર્તમાન સમયની ખાણીપીણીની આદતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બજારમાં મળતા પીઝા અને બર્ગર જેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકથી દૂર રહેવું જોઈએ અને તેના સ્થાને પરંપરાગત પોષણયુક્ત આહાર લેવો જોઈએ.
આ તકે સીડીપીઓ દ્વારા પોષણ ઉત્સવના ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત માહિતી આપી આરોગ્ય અને પોષણના મહત્વ પર ભાર મૂકતા રોજિંદા આહારમાં સરગવો, મિલેટ્સ (તૃણધાન્ય) અને સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ટેક હોમ રાશન (THR) ના ઉપયોગ અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપી હતી. કુપોષણને નાથવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્યસામગ્રીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તેમ તેમણે વધુમાં કહ્યું હતું.
આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને ટીએચઆરમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું જેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પોષણ ઉત્સવના ભાગરૂપે આયોજિત પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરોએ પોતાની રસોઈ કળા દ્વારા આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ આ વાનગી નિદર્શનની મુલાકાત લઈ બહેનોની કામગીરીને બિરદાવી હતી.
સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ વાનગી બનાવનાર પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો અને તંદુરસ્ત પેઢીના નિર્માણનો સબળ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સીડીપીઓ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન પટેલ, બાગબગીચા સમિતિના ચેરમેન નીતાબેન ભરતભાઈ ઠાકોર અને સેનેટાઈઝર સમિતિના ચેરમેન નીરુબેન મનોજભાઈ સોલંકી, નગરપાલિકાના સભ્યો, મુખ્યસેવિકા, એન.એન.એમ. કોઓર્ડિનેટર, બ્લોક પીએસઈ સહિત મોટી આંગણવાડી અને આશા કાર્યકરો, લાભાર્થીઓ અને ગ્રામજનો સહભાગી થયા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ