Uncategorized

તીર્થ ચંદ્રમૌલી: નર્મદા કિનારે આવેલું સોમેશ્વર મહાદેવ મંદિર ‘મિની સોમનાથ’ તરીકે પણ ઓળખાય છે

 

તીર્થ ચંદ્રમૌલી: નર્મદા કિનારે આવેલું

 

સોમેશ્વર મહાદેવ મંદિર ‘મિની સોમનાથ’ તરીકે પણ ઓળખાય છે

 

****************************

 

નર્મદા નદી અર્ધચંદ્રાકાર આકારમાં વહેતી હોવાથી સોમેશ્વર મહાદેવને ‘ચંદ્રમૌલી તીર્થ’ તરીકે ઓળખવામાં આવે છે

 

(વડોદરા, તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) નર્મદા નદીના કિનારે આવેલા કરજણ તાલુકાના કોઠિયા ગામમાં સોમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું સ્થળ બન્યું છે. ‘ચંદ્રમૌલી તીર્થ’ તરીકે ઓળખાતું આ મંદિર તેની વિશિષ્ટ રચનાને કારણે ‘મિની સોમનાથ’ તરીકે પણ જાણીતું છે. મંદિરની રચના સોમનાથ મંદિર જેવી હોવાથી તેને આ નામ મળ્યું છે.

 

કોઠિયા ગામ પાસે નર્મદા નદી અર્ધચંદ્રાકાર આકારમાં વહે છે. આ કારણે સોમેશ્વર મહાદેવને ‘ચંદ્રમૌલી તીર્થ’ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ ૨૭ વીઘા જમીનમાં બનેલા આ મંદિરનું નિર્માણ શિવભક્ત અતુલ જાની દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરનું ભૂમિપૂજન વર્ષ ૨૦૧૦માં કરવામાં આવ્યું હતું, જ્યારે વસંત પંચમીના દિવસે વર્ષ ૨૦૨૩માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

 

મંદિરનું નિર્માણ ભુવન શાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું છે. મંદિરના સ્થાપત્યમાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. મંદિરનો દરેક ભાગ પોતાની આગવી ધાર્મિક માન્યતા અને મહત્વ ધરાવે છે. મંદિરના પૂજારી તુષાર ગોસ્વામીના જણાવ્યા મુજબ, નર્મદા પરિક્રમા કરતા ભક્તો માટે પણ આ મંદિરનું વિશેષ મહત્વ છે.

 

મંદિરમાં દરરોજ ભગવાન સોમેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવે છે. તેમજ દર રવિવારે અન્નકૂટ અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં બાળકો માટે સંસ્કૃત પાઠશાળા પણ ચલાવવામાં આવે છે. અહીં બાળકોને આધ્યાત્મિક શિક્ષણની સાથે અભ્યાસની તક પણ આપવામાં આવે છે.

 

સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે દરરોજ ૧૦૦થી વધુ ભક્તો દર્શન માટે આવે છે. હાલમાં મંદિરનું સંચાલન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે અને મંદિરની વ્યવસ્થા માટે લગભગ ૨૫ જેટલા કર્મચારીઓ કાર્યરત છે.

 

નર્મદા નદીનું સુંદર વાતાવરણ, વિશિષ્ટ સ્થાપત્ય, ધાર્મિક આસ્થા અને સમાજસેવાના કાર્યોને કારણે સોમેશ્વર મહાદેવ એક અનોખું ધાર્મિક સ્થળ બન્યું છે. અહીં ભક્તોને ભગવાન શિવના દર્શનની સાથે શિક્ષણ અને સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓનો પણ અનુભવ થાય છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!