ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના સ્વિમર્સેનો ડંકો

ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના સ્વિમર્સેનો ડંકો
************************
૨૮ ગોલ્ડ, ૩૬ સિલ્વર અને ૪૬ બ્રોન્ઝ મળી કુલ ૧૧૦ મેડલ જીતીને સ્પર્ધાત્મક સ્વિમિંગમાં વડોદરાનું વર્ચસ્વ દર્શાવ્યું
(વડોદરા, તા.૦૪ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર) અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપ ૨૦૨૬માં વડોદરાના સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા ૨૬-૨૮ જૂન અને ૪-૫ જુલાઈ દરમિયાન બે તબક્કામાં યોજાયેલી સ્પર્ધામાં કુલ ૧૧૦ મેડલ જીત્યા હતા. ખેલાડીઓએ ૨૮ ગોલ્ડ, ૩૬ સિલ્વર અને ૪૬ બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્યની શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ તરીકે ઉભરી આવ્યા હતા.
આ શાનદાર પ્રદર્શને સ્વિમિંગ ક્ષેત્રે તેમના પ્રભુત્વને દર્શાવ્યું છે. મેડલ વિજેતાઓમાં મુખ્યત્વે માધવ દૌડિયાએ ૬ ગોલ્ડ અને ૧ સિલ્વર, અવનિ સિંહે ૩ ગોલ્ડ અને ૨ સિલ્વર, તથા જૈવલ જાનીએ ૩ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અન્ય ગોલ્ડ મેડલ વિજેતાઓમાં ભવ્ય મહેતાએ ૨ ગોલ્ડ અને ૪ સિલ્વર, જયદીપ કથિરીયાએ ૨ ગોલ્ડ અને ૩ સિલ્વર, સ્મૃતિ સિંહે ૨ ગોલ્ડ અને ૩ સિલ્વર, હર્ષ માહેશ્વરીએ ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૩ બ્રોન્ઝ, હર્ષિલ વાઘે ૨ ગોલ્ડ અને ૩ બ્રોન્ઝ, આરુષ લાંજેવારે ૨ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ, શુભમ મેરે ૨ ગોલ્ડ, હિમાની ચૌહાણે ૧ ગોલ્ડ અને ૪ સિલ્વર તથા ગુરપ્રીત સિંહ સિંધુએ ૧ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય અન્ય ઘણા સ્વિમર્સે વિવિધ વયજૂથમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ ખેલાડીઓ કોચ વિવેક સિંહ બોરલિયા અને કૃષ્ણા પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારના સહયોગથી તાલીમ મેળવે છે. તેમનું આ શાનદાર પ્રદર્શન મહિનાઓની શિસ્તબદ્ધ તાલીમ દર્શાવે છે અને સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ગુજરાતના અગ્રણી સ્વિમિંગ સેન્ટર તરીકેની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે. જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ અને જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમે આ અસાધારણ સિદ્ધિ બદલ એથ્લેટ્સ, કોચ અને સપોર્ટ સ્ટાફને વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ