આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
***
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી લાભાર્થીઓમાં પોષણ અને મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા નવતર પહેલ
***
સ્થાનિક સામગ્રી અને શ્રી અન્નના ઉપયોગથી તૈયાર થઈ પૌષ્ટિક વાનગીઓ
***
આણંદ, સોમવાર : આણંદ જિલ્લામાં મહિલા અને બાળવિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવ–૨૦૨૬ ની શૃંખલા હેઠળ જિલ્લાના વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલા લાભાર્થીઓમાં સંતુલિત આહાર અને પોષણ પ્રત્યે સભાનતા કેળવવાનો તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક સામગ્રીના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આ આયોજન થકી ગ્રામ્ય અને સેજા સ્તરે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે મજબૂત પાયો નાખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરો સહિત વિસ્તારના અનેક લાભાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધકો દ્વારા સરકાર દ્વારા અપાતા ટેક હોમ રાશન (THR) અને વિવિધ પ્રકારના મિલેટ્સ એટલે કે ‘શ્રી અન્ન’નો ઉપયોગ કરીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ કરી રજૂ કરવામાં આવેલી વિવિધ વાનગીઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જે દર્શાવે છે કે મર્યાદિત સાધનોમાં પણ કેવી રીતે પોષણયુક્ત આહાર બનાવી શકાય છે.
આ સ્પર્ધા દરમિયાન તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન માટે વાનગીનું પોષણમૂલ્ય, તેમાં રહેલી વિવિધતા, રસોઈ દરમિયાન રાખવામાં આવેલી સ્વચ્છતા, વાનગીનો સ્વાદ અને તેની આકર્ષક રજૂઆત જેવા વિવિધ પાસાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. મૂલ્યાંકનના અંતે શ્રેષ્ઠ વાનગીઓ તૈયાર કરનાર વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પોષણ ઉત્સવ–૨૦૨૬ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓમાં મિલેટ્સના મહત્વ અને સંતુલિત આહાર અંગેની સમજ વધારવાનો છે. આ પ્રકારની સ્પર્ધાઓ અને લોકસંપર્કની પ્રવૃત્તિઓ થકી બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવવાની દિશામાં આણંદ જિલ્લો મક્કમ ડગલાં ભરી રહ્યો છે. આ અભિયાન દ્વારા કુપોષણ સામેની લડાઈમાં જનભાગીદારીને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ