Uncategorized

ભૈરવ ભંડારા’ દ્વારા રોજ 100 કિલોથી વધુ પૌષ્ટિક આહાર, વરસાદી દિવસોમાં ઘાયલ અને નિઃસહાય પ્રાણીઓ માટે જીવનદાયી સેવા

 

ભૈરવ ભંડારા’ દ્વારા રોજ 100 કિલોથી વધુ પૌષ્ટિક આહાર,

 

વરસાદી દિવસોમાં ઘાયલ અને નિઃસહાય પ્રાણીઓ માટે જીવનદાયી સેવા

 

*******************************

 

યુગ અભિયાન ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશનની અનોખી પહેલ, 30થી વધુ સેવાભાવી સભ્યો બની રહ્યા છે મૂંગા જીવનો સહારો

 

********************************

 

વરસાદમાં ભૂખ્યા અને ઘાયલ પ્રાણીઓ માટે આશાનું કિરણ બન્યું ‘ભૈરવ ભંડારા’

 

આલેખન – રવિના બોરાધરા

 

(વડોદરા, તા.૦૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર) ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાનું એક વાહન છે. આ માન્યતા આપણને એ શીખવે છે કે પ્રત્યેક જીવનું અસ્તિત્વ મૂલ્યવાન છે. રસ્તા પર રહેતા નિઃસહાય પ્રાણીઓ બોલી શકતા નથી, પોતાની પીડા વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેમને પણ ભૂખ લાગે છે, દુઃખ થાય છે અને તેમને પણ સ્નેહની જરૂર હોય છે. આ જ ભાવનાને જીવનમંત્ર બનાવી વડોદરાની યુગ અભિયાન ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશન છેલ્લા એક વર્ષથી નિઃસ્વાર્થ રીતે મૂંગા પ્રાણીઓની સેવા કરી રહી છે.

 

ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સંપાદક આહુતિ યાદવે બી.એડ. અને એમ.એડ. સુધીનું શિક્ષણ મેળવ્યું છે. તેઓ અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જીવનમાં બનેલી એક ભાવનાત્મક ઘટનાએ તેમને પ્રાણીસેવા તરફ વાળ્યા છે. તેમની પ્રિય પાલતુ શ્વાન ‘ભૂરી’ના મૃત્યુ બાદ તેમણે નિઃસહાય પ્રાણીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો.

 

યુગ અભિયાન ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશનના લગભગ 30 સેવાભાવી સભ્યો વડોદરાના ભીમનાથ, કારેલીબાગ, છાણી, પ્રતાપગંજ ઉપરાંત ભાયલી, સેવાસી, નવલખી, યાવતેશ્વર, જેલ રોડ, અટલાદરા બ્રિજ, માણેજાથી જામ્બુવા હાઇવે, સિંધરોટથી ઉમેદા, કલાલી ગામ, ભાયલી ગામ, પાદરા, શામળા રોડ, આમપાડ અને અંકોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં નિયમિત પ્રાણીસેવા કાર્ય કરી રહ્યા છે. ટીમમાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયેલા છે, જેમાં કાર્ડિયોપલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. બિનલ રાણા, પ્રાણી ક્રૂરતા વિરોધી કાર્યકર્તા અને વકીલ અધિરાજ સુનિલ શાહ (એમબીએ, માર્કેટિંગ, ડેટા એનાલિસ્ટ), પ્રિંકલ ધુનધારી, વિવેક વી. પટેલ (ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) તેમજ સેવા ફાઉન્ડેશનના સ્થાપક ધ્રુવરાજ સહિત અનેક સેવાભાવીઓનો સમાવેશ થાય છે.

 

ફાઉન્ડેશન દ્વારા ‘ભૈરવ ભંડારા’ નામથી દરરોજ 100 કિલોથી વધુ પૌષ્ટિક આહાર તૈયાર કરવામાં આવે છે. સોયાબીન, ભાત, શાકભાજી સહિત પોષણયુક્ત ખોરાક તૈયાર કરીને રસ્તા પરના શ્વાન અને અન્ય પ્રાણીઓને ખવડાવવામાં આવે છે. હાલ વડોદરામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેવા વધુ વ્યાપક રીતે ચાલી રહી છે, કારણ કે આવા સમયમાં પ્રાણીઓને ખોરાક મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે.

 

માત્ર ખોરાક જ નહીં, પરંતુ અકસ્માત કે અન્ય કારણોસર ઘાયલ થયેલા પ્રાણીઓના બચાવ માટે ફાઉન્ડેશન પાસે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ છે. ઘાયલ પ્રાણીઓને બચાવી તેમની સારવાર કરાવવામાં આવે છે અને જરૂર પડે ત્યારે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે છે.

 

આ સમગ્ર અભિયાનમાં સમાજનો પણ સુંદર સહયોગ મળી રહ્યો છે. અનેક દાતાઓ ચોખા સહિતની ખાદ્ય સામગ્રીનું દાન કરે છે. સી. એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્યુબ કન્સ્ટ્રક્શન તેમજ શ્રીમતી બિંદિયા શાહ દ્વારા પણ પ્રાણીઓ માટે ચોખા સહિતની જરૂરી ખાદ્ય સામગ્રીનું દાન આપવામાં આવે છે, જે આ સેવાકાર્યને વધુ મજબૂત બનાવે છે.

 

આહુતિ યાદવ જણાવ્યું હતું કે, “મૂંગા પ્રાણીઓ આપણા પર નિર્ભર છે. તેમની સેવા કરવી એ માત્ર દયા નથી, પરંતુ આપણો માનવધર્મ છે. ‘ભૈરવ ભંડારા’નો મુખ્ય હેતુ સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના, સહાનુભૂતિ અને સેવાધર્મની ભાવના જાગૃત કરવાનો છે. જો દરેક વ્યક્તિ થોડો સમય, થોડો ખોરાક અથવા થોડો સહયોગ આપે, તો કોઈપણ પ્રાણી ભૂખ્યું નહીં રહે.

 

આ પહેલ માત્ર પ્રાણીઓને ખવડાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ માનવતા, કરુણા અને સહઅસ્તિત્વનો એક જીવંત સંદેશ છે, જે સમાજને દરેક જીવ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો પાઠ શીખવી રહ્યો છે.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!