પેટલાદમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી

પેટલાદમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી
***
નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
***
આપત્તિના સમયે પ્રશાસન પ્રજાના પડખે: નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને સહયોગ આપવા અપીલ
***
આણંદ, મંગળવાર:::: ગુજરાત રાજ્યના નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આજે પેટલાદ નગરપાલિકા વિસ્તાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી. મંત્રીશ્રીએ આ તકે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પ્રજાના પડખે છે અને તમામ પ્રભાવિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ભારે વરસાદના પગલે સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પેટલાદ નગરપાલિકાની ટીમ, પેટલાદ શહેરની ટુકડીઓ અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નગરજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. તેમણે અસરગ્રસ્તોને સલામત સ્થળે આશ્રય આપવા સાથે તેમના માટે શુદ્ધ ભોજન અને પૂરતી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. પાણી ઉતર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે અત્યારથી જ આરોગ્ય લક્ષી સાવચેતીના પગલાં લેવા અને જરૂરી દવાનો જથ્થો તૈયાર રાખવા પણ તેમણે જણાવ્યું હતું.
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પેટલાદના તમામ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને સૌ સાવચેતી રાખે અને અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. તેમણે લોકોને વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવતા માર્ગદર્શન અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ