Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

 

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

 

**********

 

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનની બેઠક યોજાઈ

 

**********

 

આણંદ, ગુરૂવાર :: ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ થી તા. ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન આણંદ જિલ્લામાં અત્યંત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લો હાલ રેડ એલર્ટ હેઠળ હોવાથી તથા હવામાનની પ્રણાલી (સિસ્ટમ) ખૂબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી હોઈ, આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આપત્તિ વ્યવસ્થાપન અંગેની બેઠક યોજાઈ હતી.

 

 

 

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે તેજ પવન, પાણી ભરાવા, અચાનક પૂર, નદીમાં પૂર તેમજ આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડવા જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે. આગામી ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ વિભાગોને સંપૂર્ણ સજ્જતા જાળવી માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક ધોરણે કામગીરી સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે.

 

 

 

જિલ્લા કલેક્ટરશ્રીએ નદી કિનારા, નીચાણવાળા અને પૂરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી આજે જ લોકોનું સ્થળાંતર શરૂ કરવા, ભારે વરસાદ રાત્રિથી શરૂ થવાની શક્યતા હોવાથી સ્થળાંતરની કામગીરી ત્વરિત પૂર્ણ કરવા, તમામ સંસાધનોનું મેપિંગ પૂર્ણ કરી બોટ, બચાવ દળો, જનરેટર, પાણી કાઢવાના પંપ, લાઇટિંગ સાધનો અને સેટેલાઇટ ફોન સહિતના સાધનો તેમજ આશ્રય કેન્દ્રોમાં ઉપલબ્ધ સાધનો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રાખવા જણાવ્યું હતું.

 

 

 

વધુમાં કલેક્ટરશ્રીએ પૂરના સમયે નીચાણવાળા વિસ્તારોમાં બાંધેલા ગાય, ભેંસ સહિતના પશુઓને ડૂબી જવાનું વધુ જોખમ રહેતું હોવાથી પશુધનને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવા, તમામ રાહત આશ્રયસ્થાનોમાં પૂરતું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, વીજળીનો બેકઅપ, પ્રકાશ, બેડિંગ તેમજ મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તબીબી સેવાઓ સંદર્ભે આવશ્યક દવાઓ, ઇમરજન્સી મેડિકલ કિટ, એમ્બ્યુલન્સ, ORS, ક્લોરીન ટેબ્લેટ તથા અન્ય જીવનરક્ષક દવાઓ સાથે મેડિકલ ટીમોને સતત તૈયાર રાખવા સૂચના આપી હતી. તેમજ જિલ્લા તથા તાલુકા કંટ્રોલ રૂમ ૨૪×૭ કાર્યરત રહે અને તેના સંપર્ક નંબરો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા, ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ, SDRF/NDRF, હોમગાર્ડ અને ફાયર સર્વિસ જેવા બચાવ દળોને અગાઉથી જ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવા જણાવ્યુ હતુ.

 

 

 

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પુલો, કોઝવે, બંધ, કેનાલ, કલ્વર્ટ તથા શહેરોમાં પાણી ભરાવાના વિસ્તારોનું સતત નિરીક્ષણ કરવા અને પાણીનું સ્તર જોખમી બને ત્યારે રસ્તાઓ તાત્કાલિક બંધ કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તીવ્ર પવનથી સુરક્ષા મેળવવા ઢીલા હોર્ડિંગ્સ અને બોર્ડ તાત્કાલિક ઉતારી લેવા તથા વીજલાઇન થાંભલાની સ્થિતિ ચકાસી લેવા, કામચલાઉ માળખાં, બાંધકામ સામગ્રી અને જોખમી વૃક્ષો કે ડાળીઓ દૂર કરવા ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, આ ઉપરાંત હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળાઓ, વૃદ્ધાશ્રમો, હોસ્ટેલો અને ઔદ્યોગિક એકમોની તૈયારીઓની સમીક્ષા કરી અનાજ, પીવાના પાણી તથા આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપી હતી.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!