અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી

અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી
***
ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન અર્થે ૨૮ સમિતિઓની રચના
***
નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે સુચારું આયોજન અર્થે આપ્યું માર્ગદર્શન
***
શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત આદ્યશક્તિ પીઠ ખાતે યોજાનારા આ પવિત્ર મહોત્સવના સુચારુ આયોજન અને સંચાલન અર્થે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહા મેળાની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાઈ રહે અને સુદ્રઢ સંકલન રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ અલગ-અલગ ૨૮ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે સમગ્ર વ્યવસ્થાપન પર સીધી દેખરેખ રાખશે.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓ અને માઈભક્તોને દર્શન દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ સંદર્ભે શ્રદ્ધાળુઓ માટે એસ.ટી.બસ સુવિધા, રોકાણ અને ભોજન, પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, મંદિરમાં સુગમ દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી સહિતની તમામ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ