સ્નેહની રાખી – સ્વાવલંબનની દોરી: રાખી મેળો રાખી મેળામા રૂ.૧૦ થી લઇ હજાર સુધીની અનેક રાખીઓની ભરમાર

સ્નેહની રાખી – સ્વાવલંબનની દોરી: રાખી મેળો રાખી મેળામા રૂ.૧૦ થી લઇ હજાર સુધીની અનેક રાખીઓની ભરમાર
*******************************
વડોદરાના નિઝામપુરા ખાતે અનેક રંબેરંગી રાખડીઓ મચાવી રહી છે ધુમ: ૪૦ જેટલી સ્ટોલમાં સુખડની રાખી, ડાયમન્ડ, બ્રાસ, સિલ્વર,કિડ્સની રાખડીઓની વિવિધ વેરાઇટી ઉપલબ્ધ
સંકલન-વૈશાલી પરમાર
(વડોદરા, તા.૧૭ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર) પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં પણ ભાઈ-બહેનના પ્રેમ સમાન રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. વડોદરાના નિઝામપુરા અતિથી ગૃહ ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિશેષ ‘રાખી મેળા’માં આ વર્ષે વિવિધ પ્રકારની રંગબેરંગી અને આકર્ષક ડિઝાઈનની રાખડીઓએ ભારે આકર્ષણ જમાવી રહી છે.
નિઝામપુરાના આ રાખી મેળામાં આશરે ૪૦ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના વિવિધ મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી અનોખી હસ્તકલાની કૃતિઓ, કલાત્મક રાખડીઓ, વેસ્ટમાંથી બેસ્ટ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, ઘર સુશોભનની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમા આકર્ષણનું કન્દ્ર બનેલા રાખીના સ્ટોલ પર બહેનોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્ટોલ પર રૂ.૧૦ થી લઈને રૂ.૧૦૦૦ સુધીની કિંમતમાં વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે.
રાખીના સ્ટોલ પૈકી એક વડુ-પાદરાના અક્ષીતાબેન પટેલે હાલના માર્કેટની વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૦૫ વર્ષથી જાતે રાખડીઓ બનાવીને સ્ટોલમા વેચાણ કરે છે. આ વર્ષે પણ રાખડીઓની ખરીદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વિવિધ વેરાઇટીઓ અંગે જાણકારી આપી હતી કે, સુગંધ અને પવિત્રતા ધરાવતી સુખડની રાખડીઓ હાલના સમયમા પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ટ્રેન્ડી અને રોયલ લુક આપતી ડાયમન્ડ અને મોતીકામવાળી રાખડીઓ, પરંપરાગત અને મોર્ડન ડિઝાઈનનું સુંદર મિશ્રણ ધરાવતી બ્રાસ તેમજ ચાંદીની રાખડીઓ પણ વિવિધ રેન્જમાં ઉપલબ્ધ છે. આ રાખી મેળામા અનેક સ્ટોલ પર વિવિધ પ્રકારની ડીઝાઇન અને કિંમતની રાખડીઓ મળે છે. જેને ખરીદી માટે અક્ષીતાબેનએ જાહેર અપીલ કરી નાગરીકોને રાખી મેળાની મુલાકાત કરવા આમંત્રણ આપ્યું હતું.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ