હૅન્ડલૂમ એ વારસો છે, તેને ગર્વથી પહેરો: વડોદરાના રાજેશ્વરી સિંહ પ્રેરિત કરે છે સસ્ટેનેબલ ફેશન

ખાસ લેખ-સા.ગાથા.૦૮
હૅન્ડલૂમ એ વારસો છે, તેને ગર્વથી પહેરો:
વડોદરાના રાજેશ્વરી સિંહ પ્રેરિત કરે છે સસ્ટેનેબલ ફેશન
*******************
લોકોને હૅન્ડલૂમ સાડીઓ અપનાવવા અને ભારતની સમૃદ્ધ વણાટ પરંપરાને જીવંત રાખવા હાકલ કરી
(વડોદરા, તા.૦૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર) રાજેશ્વરી સિંહ માટે, હૅન્ડલૂમ સાડી એ માત્ર એક પોશાક નથી પરંતુ ભારતની સંસ્કૃતિ, કારીગરી અને વારસાની એક જીવંત અભિવ્યક્તિ છે. રાષ્ટ્રીય હૅન્ડલૂમ દિવસે, વડોદરા સ્થિત સસ્ટેનેબિલિટી પ્રોમોટરે દેશના વિવિધ ખૂણામાંથી મેળવેલી તેમની હૅન્ડલૂમ સાડીઓના કિંમતી કલેક્શનને યાદ કરીને જૂની યાદો તાજી કરી હતી. જેમાંની દરેક સાડી તેના પ્રદેશની આગવી ઓળખ દર્શાવે છે.
તેમના ઝીરો-વેસ્ટ પહેલ અને ટકાઉ જીવનશૈલી (સસ્ટેનેબલ લિવિંગ) પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે ઓળખાતા સિંહે જણાવ્યું હતું કે, ભારતીય વણાટ પરંપરાઓની ઉજવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૅન્ડલૂમ ડેનો વીડિયો જોયા પછી તેમને ગર્વ અનુભવાયો હતો. તેમના વોર્ડરોબનો લગભગ ૮૦ ટકા હિસ્સો હૅન્ડલૂમ સાડીઓથી ભરેલો છે. જે સસ્ટેનેબલ ફેશન અને સ્થાનિક કારીગરોને ટેકો આપવાના તેમના વિશ્વાસને દર્શાવતી એક સભાન પસંદગી છે.
રાજેશ્વરી સિંહે જણાવ્યું હતું કે, “હૅન્ડલૂમ સાડી માત્ર એક કાપડ નથી. તે કારીગરનો આત્મા અને આપણી સંસ્કૃતિની કહાની ધરાવે છે. દરેક ખરીદી વણકરની આજીવિકાને ટેકો આપે છે અને પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવામાં મદદ કરે છે. ચાલો આપણે ગર્વથી હૅન્ડલૂમ પહેરીએ અને આ વારસાની આપણા બાળકોને ભેટ આપીએ.”
રાજેશ્વરી સિંહ તેમની સંસ્થા દ્વારા સ્થાનિક કારીગરોને તેમની કારીગરી દર્શાવવા માટે એક મંચ પૂરો પાડીને સશક્ત બનાવવાનું સક્રિય કામ કરે છે. તેમણે લોકોને અસલ હૅન્ડલૂમ ઉત્પાદનોમાં રોકાણ કરવા ભારતની સમૃદ્ધ કાપડ વિરાસતની ઉજવણી કરવા અને સભાન ફેશન પસંદગીઓ દ્વારા ટકાઉપણાને જીવનશૈલી બનાવવાનો આગ્રહ કર્યો હતો.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ