Uncategorized

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના સેચ્યુરેશન માટે વિશેષ કેમ્પ

 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના સેચ્યુરેશન માટે વિશેષ કેમ્પ

 

*****************

 

વડાપ્રધાનશ્રીનું જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભ સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચાડી અનોખું સ્વાગત કરવાની જિલ્લા વહીવટી તંત્રની તૈયારી

 

***************

 

પ્રથમ દિવસે એટલે કે તા. ૧ના રોજ યોજાયેલા વિવિધ કેમ્પોમાં કુલ ૬,૪૧૭ નાગરિકોએ લાભ લીધો

 

(વડોદરા, તા.૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૮ના રોજ વડોદરા ખાતે પધારી રહ્યા હોવાથી તેમના સ્વાગતને યાદગાર અને જનકલ્યાણલક્ષી બનાવવાના હેતુથી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડીને આ યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઈ જવાની દિશામાં શહેર-જિલ્લામાં વિશેષ લાભાર્થી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

આ વિશેષ અભિયાન અંતર્ગત વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નિરાધાર સહાય, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, નમોશ્રી, આયુષ્માન કાર્ડ, માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ, પાલકવાલી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફાર્મર રજીસ્ટ્રી, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન યોજના તેમજ નાણાકીય સાક્ષરતા સંબંધિત યોજનાઓનો પણ વ્યાપક લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

 

કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધ ગામોમાં પણ આ વિશેષ કેમ્પો યોજાઈ રહ્યા છે. નાયબ કલેક્ટરોને તાલુકાવાર જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ કલેક્ટર શ્રી સુહાની કેલૈયા સંકલન કરી રહ્યા છે.

 

કેમ્પના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓના પાત્ર લાભાર્થીઓની ઓળખ કરી તેમને જરૂરી માર્ગદર્શન, નોંધણી તથા યોજનાકીય લાભો સાથે સાંકળી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એકપણ પાત્ર લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

 

આ અભિયાનના પ્રથમ દિવસે એટલે કે તા. ૧ના રોજ યોજાયેલા વિવિધ કેમ્પોમાં કુલ ૬,૪૧૭ નાગરિકોએ લાભ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ કેમ્પોને વધુ વ્યાપક બનાવીને વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભથી આવરી લેવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.

 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમન નિમિત્તે જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલા આ વિશેષ અભિયાન દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવાનો સંકલ્પ સાકાર કરવામાં આવી રહ્યો છે. યોજનાઓના સેચ્યુરેશન પોઇન્ટને હાંસલ કરીને ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવતું આ જનભાગીદારી આધારિત આયોજન વડાપ્રધાનશ્રીના અનોખા સ્વાગતરૂપે સાબિત થશે.

 

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!