કે.જે. વિદ્યામંદિર સાવલી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાઈ

સં.સં.૦૪૭
કે.જે. વિદ્યામંદિર સાવલી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા
તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાઈ
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અંતર્ગત ૭૦મી તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધા સંપન્ન
(વડોદરા, તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) અંતર્ગત ૭૦મી તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાઓનું સુંદર આયોજન કે.જે. વિદ્યામંદિર, સાવલીના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં અંડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના કુમાર તથા કન્યાઓ માટે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના પ્રિન્સિપાલ શ્રી ધીરેનભાઈ બારોટ, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી માધવીબેન, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ શર્મા તથા સ્પોર્ટ્સ કોચ શ્રી અંકિતભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
શાળાના પ્રિન્સિપાલ શ્રી ધીરેનભાઈ બારોટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”ના નારાને સાર્થક કરવા આપણા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ખેલાડી બનીને દેશનું નામ રોશન કરે.
સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ શર્માએ ઉમેર્યું હતું કે, એક સારો વિદ્યાર્થી વર્ગખંડની સાથે સાથે રમતગમતના મેદાનમાં પણ ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને શિસ્ત દાખવીને શ્રેષ્ઠ બની શકે છે.
આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએથી કબડ્ડીની ૨૫, ખો-ખોની ૧૫ અને વોલીબોલની ૫ ટીમોના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ખેલદિલીપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન તાલીમી સ્પોર્ટ્સ કોચની ટીમે ઉપસ્થિત રહીને રમતોનું સંચાલન અને મૂલ્યાંકન કર્યું હતું.
પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવશે, જે માટે સ્પોર્ટ્સ કોચ દ્વારા તેઓને એડવાન્સમાં પુનઃ તાલીમ આપીને સજ્જ કરવામાં આવશે.
બે દિવસીય આ રમતોત્સવ દરમિયાન ખેલાડીઓ, વાલીઓ અને શિક્ષકગણ માટે ચા-નાસ્તો, પીવાના પાણી તથા બેઠક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંવાદ કન્વીનર શ્રી મુકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે તમામ વિજેતા તથા ભાગ લેનાર ખેલાડીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ